Tuesday, 7 January 2014

પ્રજ્ઞા શાળાઓના પ્રજ્ઞા વર્ગોમાં આટલું તો જોઈએ જ............................


૧. વર્ગખંડની ગોઠવણી:  
·        વર્ગખંડમાં છાબડી ૪ ફૂટથી વધારે ઊંચી ન હોવી જોઈએ તેમજ બાકીની તમામ વસ્તુઓ તેથી નીચે હોવી જોઈએ.
·        વર્ગની તમામ વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ.
·        બાળકો માટે પાથરણાંની વ્યવસ્થા હોવી જોઈએ. (પાથરણાં શાળા પર્યાવરણ ગ્રાન્ટમાંથી ખરીદવાં.)
·        જરૂરી તમામ  TLM ધરાવતું TLM બોક્ષ વર્ગમાં યોગ્ય જગ્યાએ હોવું જોઈએ.
·        ડિસ્પ્લે બોર્ડ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવાં જોઈએ અને તેમાં બાળકોની કૃતિઓ દેખાવી જોઈએ.
·        બાળકોના ૩, ૪ અને ૫ નંબરના જૂથમાં બાળકોની મદદ માટે ઝંડી હોવી જોઈએ.
·        વર્ગની તમામ વસ્તુઓ બાળકોની પહોંચમાં હોવી જોઈએ.
·        લેડર જે તે વિષયના ઘોડા પાસે જ હોવી જોઈએ.
·        વાચન, લેખન અને ગણનના વધારે મહાવરા માટે સ્વઅધ્યયનપોથી ઉપરાંત સ્લેટ, સ્વનિર્મિત સામગ્રી, ઝેરોક્ષ વગેરેનો ઉપયોગ થવો જ જોઈએ.
·        શિક્ષક આવૃત્તિ અને પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠક પાસે હાથવગાં હોવાં જોઈએ.
·        શિક્ષકની બેઠક ૧ નંબરની છાબડી પાસે બાળકોનાં જૂથ સાથે નીચે  હોવી જોઈએ.
·        વર્ગની તમામ જગ્યાનો ઉપયોગ બાળકોની પ્રવૃત્તિઓ માટે જ કરવાનો હોવાથી વર્ગમાં કોઈ જ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ.
·        વર્ગમાં ટેબલ-ખુરસી ન હોવાં જોઈએ.

 ૨. પ્રગતિમાપન રજીસ્ટર:  

·        પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠકની બાજુમાં હોવું જોઈએ.
·        બાળકના કાર્ડનું કાર્ય પૂર્ણ થાય તે  સમયે જ પ્રગતિમાપન રજીસ્ટરમાં તેની નોંધ થઇ જવી જોઈએ.
·        વર્ગનાં મહત્તમ બાળકો જુદાં-જુદાં કાર્ડ પર કામ કરતાં હોય, તે સ્થિતિ પ્રગતિમાપન રજીસ્ટર પર પણ દેખાવી જોઈએ.
·        પ્રગતિમાપન રજીસ્ટર પર બાળકની જે કાર્ડ સુધી નોંધ હોય, તે પછીનું કાર્ડ બાળક પાસે હોવું જોઈએ.
·        ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમની પાસે ધોરણ ૧નાં કાર્ડ હોવાં જોઈએ અને તેવાં બાળકોની નોંધ ધોરણ ૧ના પ્રગતિમાપન રજીસ્ટર પર અથવા અલગ ચોપડામાં કરવી. તેવું જ ધોરણ ૪ માટે સમજવું. 

૩. અભ્યાસકાર્ડ(કાર્ડ)નો ઉપયોગ અને જાળવણી:   

·        તમામ બાળક પાસે અલગ અલગ અભ્યાસકાર્ડ હોવું જોઈએ.
·        વર્ગનાં તમામ બાળકો ટ્રેમાંથી જાતે જ કાર્ડ લઇ, તેમાં દર્શાવેલ TLM લઇ શિક્ષકનું માર્ગદર્શન મેળવી કાર્ડમાં દર્શાવેલ સિમ્બોલ મુજબ યોગ્ય જૂથમાં બેસી શકવા જોઈએ.
·        બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડ પર દર્શાવેલ TLM બોક્ષ પર જે TLM બતાવેલ હોય, તે TLM બાળક પાસે હોવાં જ જોઈએ.
·        ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમને ધોરણ ૧નાં માત્ર અગત્યના કાર્ડ જ આપવા. તેવું જ ધોરણ ૪નાં જે બાળકો ધોરણ ૩માં હોય, તેમના માટે સમજવું.
·        તમામ અભ્યાસકાર્ડ એક સાથે ટ્રેમાં ન મૂકી દેતાં જરૂર મુજબનાં કાર્ડ જ મુકવાં, જેથી ટ્રેમાં કાર્ડ વધી ન જાય અને બાળકોને કાર્ડ લેવામાં સરળતા રહે. (ધોરણનું સૌથી આગળનું બાળક જયારે નવા માઈલસ્ટોન પર આવે, ત્યારે જ નવા માઈલસ્ટોનનાં કાર્ડ મુકવાં અને  જયારે તમામ બાળકો જે માઈલસ્ટોન પૂર્ણ કરી દે, તે માઈલસ્ટોનનાં કાર્ડ લઇ લેવાં.)
·        અભ્યાસકાર્ડ ફાટી ન જાય, બગડી ન જાય કે ખોવાઈ ન જાય, તેની કાળજી રાખવી.
·        અભ્યાસકાર્ડ સહિત તમામ સાહિત્ય નવું જ ઉપયોગમાં લેવું.

૪. સ્વઅધ્યયનપોથી અને ગૃહકાર્ય બુક:   

·        સ્વઅધ્યયનપોથી તમામ બાળકો માટે હોવી જોઈએ.
·        સ્વઅધ્યયનપોથીની કામગીરી બાળકના અભ્યાસકાર્ડની સાથે જ ચાલવી જોઈએ એટલે કે સ્વઅધ્યયનપોથીમાં પ્રગતિમાપન રજીસ્ટરની ટીક મુજબ બાળકની કામગીરી દેખાવી જોઈએ.
·        તમામ બાળકોને એક સાથે સ્વઅધ્યયનપોથી આપી કામગીરી ન જ થવી જોઈએ.
·        સ્વઅધ્યયનપોથી વર્ગમાં યોગ્ય જગ્યાએ ધોરણવાર અને વિષયવાર ગોઠવાયેલ હોવી જોઈએ.
·        બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે કે તરત જ શિક્ષકે તેની કામગીરી ચકાસી સ્વઅધ્યયનપોથીના તમામ પેજ પર ટૂંકી સહી કરવી અને બાળકને પ્રોત્સાહિત કરવા સ્માઇલી, સ્ટાર વગેરે જેવા સિમ્બોલ આપવા.
·        સ્વઅધ્યયનપોથીમાં ચોકડી કે નેગેટીવ માર્કિંગ કરવું નહિ. જરૂર જણાયે પેન્સિલનો ઉપયોગ કરવો, જેથી તેવું માર્કિંગ દૂર કરી સારું માર્કિંગ કરી શકાય.
·        બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેની સ્વઅધ્યયનપોથીના ત્રીજા કવરપેજ પર રહેલ લેડરમાં પણ ટીક થઇ જવી જોઈએ.
·        સ્વઅધ્યયનપોથી બાળકને ઘરે લઇ જવા આપવાની નથી.
·        ધોરણ ૩ અને ૪માં જયારે ગૃહકાર્યનું કાર્ડ આવે ત્યારે ગૃહકાર્યબુક (ગુજરાતીમાં વાચનમાળા, ગણિતમાં પાકું કરીએ અને પર્યાવરણમાં જાતે શીખીએ) બાળકને ઘરે લઇ જવા આપવી તથા ગૃહકાર્ય પૂર્ણ થયે પરત મગાવી કામગીરી ચકાસવી.
·        ગૃહકાર્યની બુક તમામ બાળકોને એક સાથે આપી કામગીરી ન જ થવી જોઈએ.

૫. પોર્ટફોલિઓ અને પ્રોફાઈલ:  
·        તમામ બાળક માટે પોર્ટફોલિઓ બેગ હોવી જોઈએ તથા વર્ગમાં યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ. (પોર્ટફોલિઓ બેગ પ્રજ્ઞા શિક્ષક ગ્રાન્ટમાંથી ખરીદવી.)
·        તમામ બાળકની પોર્ટફોલિઓ બેગમાં તેણે કરેલ પ્રવૃત્તિના ઘણા નમુના હોવા જ જોઈએ.
·        તમામ બાળકની પ્રોફાઈલ બનાવી તેમાં તેમની સામાન્ય માહિતી ઉપરાંત તેમના રસનાં ક્ષેત્રો, ખામીઓ, ખૂબીઓ, મેળવેલ સિદ્ધિઓ વગેરેની માહિતી હોવી જોઈએ.
·        બાળકની પ્રોફાઇલ અને પોર્ટફોલિઓ સમયાંતરે વાલી સાથે શેર કરવો.
૬. TLM  ગ્રાન્ટનો ઉપયોગ અને TLM બોક્ષ નિર્માણ:  

·        શિક્ષકોને મળેલ TLM  ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો.
·        TLM  ગ્રાન્ટમાંથી અભ્યાસકાર્ડમાં દર્શાવેલ જરૂરી તમામ સામગ્રી ખરીદવી.
·        TLM  ગ્રાન્ટના ઉપયોગથી વાચન, લેખન અને ગણન વિકાસની પ્રવૃત્તિઓ માટે જરૂરી સંદર્ભ સાહિત્યનું નિર્માણ કરવું અને તેનો ઉપયોગ કરવો.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓ માટેનું જરૂરી સાહિત્ય પણ TLM  ગ્રાન્ટમાંથી ખરીદવું.
·        સામગ્રી કે સાહિત્ય સારી ગુણવત્તાવાળું જ ખરીદવું.
·        પેન્સિલ, રબર, સંચા, મીણીયા કલર, સેલો ટેપ, કાતર, કટર, ગુંદર, ફેવિકોલ, કાગળ, ફૂટપટ્ટી, પૂંઠાં, ચાર્ટ પેપર, પ્રોજેક્ટ પેપર, ગણન સામગ્રી, સ્ટેપલર, પંચ વગેરે જેવી તમામ જરૂરી સામગ્રી પૂરતા પ્રમાણમાં અને બાળકોની સંખ્યા મુજબ હોવી જ જોઈએ.
·        TLM  ગ્રાન્ટનો ઉપયોગ જે તે વર્ષમાં જ કરી લેવાનો છે.
·        પ્રજ્ઞાના તમામ વર્ગમાં TLM બોક્ષ ફરજીયાત બનાવવું. જે માટે પૂંઠાનું બોક્ષ, લાકડાનું બોક્ષ, લોખંડનો ઘોડો, પ્લાસ્ટીકના બોક્ષ, પ્લાસ્ટીકની બરણીઓ વગેરેનો ઉપયોગ થઇ શકે.
·        TLM બોક્ષમાં અભ્યાસકાર્ડ માટે જરૂરી તમામ સામગ્રી હોવી જ જોઈએ.

૭. જૂથ નિર્માણ અને રોટેશન:  

·        વર્ગમાં બાળકોનાં છ જૂથ હોવાં જ જોઈએ.
·        બાળકોનું જૂથ રોટેશન સતત થવું જોઈએ.
·        સહપાઠી શિક્ષણ થવું જ જોઈએ.
·        તમામ જૂથમાં યોગ્ય સંખ્યામાં બાળકો આપમેળે આવે, તેવું આયોજન પ્રત્યેક સમયે હોવું જોઈએ.
·        જરૂર જણાયે બાળકને થોડો સમય વધારાનું પૂરક કામ આપીને તે જ જૂથમાં રોકી જૂથ નિયમન  કરવું, જેથી કોઈ પણ જૂથમાં વધુ પડતાં  બાળકો એક સાથે ન થઇ જાય.
·        કોઈ પણ બાળકને બીજા બાળકને શીખવવા(સહપાઠી શિક્ષણ માટે) કે અન્ય કોઈ પણ  કારણસર લાંબા સમય સુધી એક જ કાર્ડ પર રોકી રાખવું નહિ.
·        બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડમાં જે સિમ્બોલ હોય, તે જૂથમાં જ તે બાળક કામ કરતું હોવું જોઈએ. 

૮. સપ્તરંગી પ્રવૃત્તિઓ: 

·        ગણિત/સપ્તરંગીના શિક્ષકે નિશ્ચિત કરેલ સમયમાં સપ્તરંગીનો તાસ લેવો.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોવાથી આ પ્રવૃત્તિઓ ફરજીયાત કરાવવી.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવવા સપ્તરંગી મોડ્યુલનો ઉપયોગ કરવો. તેમ છતાં તે સિવાયની પ્રવૃત્તિઓ પણ કરાવી શકાશે.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં સપ્તરંગી મોડ્યુલમાં દર્શાવેલ તમામ સાત એરિયાની પ્રવૃત્તિઓ થવી જોઈએ.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયને સરખું પ્રાધાન્ય મળવું જોઈએ.
·        ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયની કાર્ડમાં આવતી વાર્તાઓ, ગીતો, રમતો વગેરે સમુહમાં સપ્તરંગી પ્રવૃત્તિઓમાં સાંકળી લેવાં.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયનાં શક્ય હોય તે TLM બાળકોની મદદથી બનાવવાં.
·        સપ્તરંગી પ્રવૃત્તિઓની નોંધ માટે આપેલ નમુના મુજબનું સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર નિભાવવું અને તેમાં પ્રવૃત્તિ કરાવ્યાની તારીખ નોંધવી. વર્ષ પૂર્ણ થયે આ રજીસ્ટર આગળના ધોરણના શિક્ષકને આપવું, જેથી અગાઉ થયેલ પ્રવૃત્તિઓ પછીના વર્ષે ફરીવાર ન થતાં નવી પ્રવૃત્તિઓ કરવી શકાય અને આ રીતે ૪ વર્ષના અંતે બાળકને મહત્તમ પ્રવૃત્તિઓનો લાભ મળે.

૯. ડિસ્પ્લે બોર્ડ:  

·        ડિસ્પ્લે બોર્ડની ઊંચાઈ એટલી જ હોવી જોઈએ કે જેથી બાળકો જાતે વસ્તુ પ્રદર્શિત કરી શકે.
·        ડિસ્પ્લે બોર્ડ પર તમામ બાળકોની પ્રવૃત્તિઓને સ્થાન મળવું જોઈએ.
·        ડિસ્પ્લે બોર્ડ પરની પ્રવૃત્તિઓ સમયાંતરે બદલતા જવું.
·        ડિસ્પ્લે બોર્ડ પર મૂકી ન શકાય, તેવી બાબતો અન્ય રીતે પ્રદર્શિત કરવી.
·        નવી પ્રવૃત્તિઓ ડિસ્પ્લે બોર્ડ પર મુક્યા બાદ જૂની પ્રવૃત્તિઓ બાળકના પોર્ટફોલિઓમાં મુકવી. 
૧૦. પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી:   

·        તમામ શિક્ષકોએ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી બનાવવી.
·        પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં પોતે કરેલ નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિઓ, તેમાં મળેલ પરિણામ, વર્ગની મજબૂત બાબતો, વર્ગની નબળાઈઓ અને તેણે દૂર કરવાનું આયોજન, વર્ગ માટે જરૂરી મટિરિયલ્સની યાદી વગેરેની નોંધ કરવી.
·        વર્ગની મુલાકાતે આવતા મુલાકાતી જેમ કે સી.આર.સી.સી. / બી.આર.સી.સી. / તા.કે.નિ. / બિ.કે.નિ.  વગેરેની પ્રજ્ઞાવર્ગની કામગીરી અંગેની વર્ગમુલાકાતની નોંધ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં અવશ્ય લખાવવી.  

No comments:

Post a Comment